શૌક઼ હર રંગ રકીબે સર-ઓ-સામાં નિકલા ક઼ેસ તસ્વીર કે પરદે મેં ભી ઉરયાં નિકલા

This post is also available in: English Hindi Urdu

આ ગ઼ાલિબ સાહેબની ૬ઠ્ઠી ગ઼ઝલનો પહેલો શેર કે મતલા છે; તેની બન્ને લાઈનમાં રદીફ છે. આ ગ઼ાલિબ સાહેબની ઘણી જ પ્રખ્યાત, ગ઼ઝલ છે. તેને ઘણા પ્રસિદ્ધ સંગીતકારો, ગાયકો, ગાયિકાઓ, અને સામાન્ય લોકોએ ગાઈ છે.

શૌક઼ હર રંગ રકીબે સર-ઓ-સામાં નિકલા
ક઼ેસ  તસ્વીર કે પરદે મેં ભી  ઉરયાં નિકલા
શૌક઼ = ઇશ્ક઼ હરરંગ = દરેક રીતે (in every aspect) // રકીબ = દુશ્મન // ક઼ેસ = મજનૂનું અસલી નામ. અરબીમાં મજનૂ એટલે ઘેલો; જે, મૂળ જુનૂન શબ્દથી બનેલો છે. જુનૂન કે ઝનૂન એટલે ગાંડપણ કે ઘેલછા. અરબ લોકો, ક઼ેસને, તેની અસામાજિક વર્તણૂક અને પ્રેમ ઘેલછાને લીધે, ઘેલો કે મજનૂ કહેતાં // સર –ઓ -સામાં = શિષ્ટાચાર, NICETY // નિકલા = સાબિત થયો // ઉરયાં = જાહેર, નાગું, ખુલ્લું  // નિકલા=સાબિત થયો, જોવાયો,

સાદો તરજુમો:

ઇશ્ક દરેક રંગ કે ઢંગમાં શિષ્ટાચારનો દુશ્મન પુરવાર થયો.
મજનુ, જે ઈશ્કનું પ્રતીક છે, તેની છબિને કેનવાસનાં કપડાં પહેરાવ્યાં, છતાં તે કેનવાસના પરદામાં પણ નાગો જ જોવાયો.

અર્થઇશ્ક કોઈપણ રંગ કે ઢંગમાં હોય તે સજાવટ કે સાજસામાનનો દુશ્મન છે. મજનૂની તસ્વીર જુઓ. મજનૂને પ્રેમનો ડંખ લાગેલો તેથી તેની તસ્વીર કપડાં, સૂટ બૂટ, ટાઈ, કે આભૂષણ વગરની હોય છે, એટલે કે નાગી જ હોય છે. મજનૂ કપડાં કે સજાવટનો દુશ્મન છે. કોઈ પણ ચિત્રકાર મજનૂને પોતાના ચિત્રમાં કપડાં પહેરેલ કે મેકઅપ સાથે બતાવી નથી શકતો. ચિત્રકાર, મજનૂને પોતાના કેનવાસ પર દોરે છે; એટલે કે તેને કેનવાસનું કપડું પહેરાવે છે. ગ઼ાલિબ સાહેબના કહેવા પ્રમાણે ચિત્રકાર કેનવાસના પરદાથી મજનૂની નગ્નતા ઢાંકે છે, છતાં તે નાગો જ જોવાય છે.

ગ઼ાલિબ નિષ્ણાતના અભિપ્રાય:
બેખ઼ૂદનો અભિપ્રાય:

ઇશ્કનો રંગ એવો સાબિત થયો છે કે મજનૂને તસ્વીરના લિબાસે પણ નાગો જ રાખ્યો. તસ્વીરના રંગો પણ મજનૂની નગ્નતાનો પરદો ન બની શક્યા. “હર રંગ” નો મતલબ: ઇશ્કમાં, દીવાનગીમાં, નગ્નતામાં, છબિના રંગોમાં, એટલે કે ઇશ્ક દરેક રંગઢંગમાં, નેકનામી અને ઇજ્જતનો તે દુશ્મન જ રહ્યો અને ગ઼ાલિબ સાહેબે પણ તેને નાગો જ બતાવ્યો છે.

તબાતબાઈનો અભિપ્રાય:
“હર રંગ” મુહાવરો નથી. “હર તરહ” હોવું જોઈતુ હતું. શબ્દોની સજાવટ માટે મુહાવરાને ચૂંથવું કે બદલી નાખવું બરાબર નથી લાગતું.

શેરની ખૂબીઓ:
ઉર્દૂ શાયરીમાં મજનૂને ઇશ્કનો સરતાજ માનવામાં આવે છે. તે ઇશ્કનો ખુદા છે. ઉર્દૂના શાયર, મજનૂના દરેક કામની પ્રશંસા અને આદર કરે છે; જેમ કોઈ ચેલો ગુરુની કરતો હોય.

ઇશ્ક ફક્ત ઇશ્ક માટે જ છે. તેને રોટલી, કપડાં, મકાનની અથવા દુનિયાના એશઆરામની જરૂરત નથી. મજનૂએ દુનિયાના દરેક એશઆરામને છોડી દીધેલા. મજનૂને કપડાં પહેરાવવામાં આવતાં, તો પણ તે ફાડી નાખતો. ચિત્રકારને મજનૂની તસ્વીર નાગી જ બતાવવી પડે છે.

ગ઼ાલિબ સાહેબ કહે છે કે પેઇન્ટરનાં પેઇન્ટ કે કેનવાસ મજનૂના શરીરને ઢાંકી (cover) નથી શકતાં. એક છબિકાર કોઈ જોગી કે બાવાને પોતાની છબિમાં કપડાં પહેરેલ બતાવી નથી શક્તો. તેને તો નગ્ન શરીર પર ભભૂત લગાડેલો બતાવવો પડે. કપડાં પહેરેલ હોય તો તે જોગી કે બાવો શાનો ?

શેરમાં શબ્દોની સજાવટ અને રમૂજ ઉત્તમ છે. શેરમાં એક અનોખો વિચાર રજૂ કરી ગ઼ાલિબ સાહેબે આપણને અચરજમાં નાખી દીધાં છે.

https://www.youtube.com/watch?v=4ZXp968YB5A Film: Mirza Ghalib. Music: Jaidev. Singer: Asha Bhosle

https://www.youtube.com/watch?v=4Tqt8p_BtUM Singer: Ghulam Ali

This post is also available in: English Hindi Urdu